ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, અમદાવાદ, સુરત જળબંબાકાર

દક્ષિણ ગુજરાત પર સક્રિય સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી. રવિવાર, 30 જૂને રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં રવિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ અને સુરત જિલ્લા સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતાં અને ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.વલસાડમાં બે કલાકમાં (સવારે 6 થી 8 વાગ્યા સુધી) લગભગ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરતના મહુવામાં આ સમયગાળામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

30 જૂન રવિવારે સવારે 6 થી બપોરના 2 વાગ્યા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હદમાં સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જનજીવનને અસર થઈ હતી. સૌથી વધુ વરસાદ સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. પાણીના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. મીઠાખળી અંડરપાસ બપોરે 2.21 વાગ્યે ટ્રાફિક માટે બંધ કરાયો હતો. અખબારનગર અંડરપાસ બપોરે 2.40 વાગ્યે ટ્રાફિક માટે બંધ કરાયો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની જમાવટ થઈ હતી. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના રસ્તા પણ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હતાં અને અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

સુરતના અમુક વિસ્તારોમાં જ્યાં પાણીના નિકાલની બરાબર વ્યવસ્થા નથી ત્યાં બે-બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતાં અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં, જામનગરના ધ્રોલમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. માળિયા હાટીનામાં બે ઈંચ, મેંદરડામાં બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, વિસાવદરમાં પણ દોઢ ઈંચ. ગોધરામાં દોઢ ઈંચ અને રાજકોટ તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *