ISI જાસૂસી કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ ઠેકાણે NIAના દરોડા

ભારતીય સુરક્ષા દળોની જાસૂસી માટે પાકિસ્તાનમાંથી નાણા મેળવવાના કેસમાં ત્રાસવાદ વિરોધી કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કેસના શકમંદોના ત્રણ ઠેકાણા પર સર્ચ કાર્યવાહી કરી હતી અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. ગયા વર્ષે જૂનમાં NIA દ્વારા નોંધાયેલા કેસમાં આ કાર્યવાહી કરાઈ હતી.


એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2021ના વિશાખાપટ્ટનમ પાકિસ્તાની ISI જાસૂસી કેસમાં સંડોવાયેલા શંકાસ્પદો પર કાર્યવાહીના ભાગરૂપે NIAએ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ સ્થળોએ વ્યાપક સર્ચ કાર્યવાહી કરી હતી. ભારતીય સંરક્ષણ દળોની જાસૂસી માટે પાકિસ્તાન પાસેથી પૈસા લીધા હોવાની આશંકા છે તેવી વ્યક્તિના ઘરે સર્ચ કાર્યવાહી થઈ હતી. આ કાર્યવાહીમાં મોબાઈલ ફોન અને દસ્તાવેજો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરાઈ હતી. NIA આ કેસમાં વધુ કડીઓ શોધવા માટે જપ્ત કરેલી સામગ્રીની તપાસ કરી રહી છે.


એજન્સીએ જુલાઇ 2023માં ફરાર પાકિસ્તાની નાગરિક સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી એક પાકિસ્તાની નાગરિક સહિત અન્ય ત્રણ વિરુદ્ધ વધુ બે ચાર્જશીટ દાખલ કરાઈ હતી.


NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ/મહત્વપૂર્ણ માહિતી લીક કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *